સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો છે,પોલીસે પીડિતોને કરોડોનું સોનુ,ચાંદી અને જમીન વ્યાજખોરો પાસેથી પરત અપાવ્યા હતા.

ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની પરસેવાની કમાણી હડપતા વ્યાજખોરો સામે સુરેન્દ્રનગર પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ 2500થી વધુ અરજીઓનો સંતોષકારક નિકાલ કરી પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવવામાં આવ્યાં છે. અન્યાય સામે ખાખી વર્દી સાચો સહારો બનીને ઊભરી આવી છે. પોલીસે કડક વલણ દાખવી વ્યાજખોરોની ચુંગાલમાંથી અંદાજે 150 તોલા સોનું, દોઢ કિલો ચાંદી અને 33 વીઘા જમીનના દસ્તાવેજો મુક્ત કરાવી મૂળ માલિકોને સુરક્ષિત પરત સોંપ્યા છે.

વ્યાજખોરી ઉપરાંત, સાયબર ક્રાઇમ અને આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના હોલ્ડ કરાયેલા રૂપિયા 10.80  કરોડ પણ પોલીસે સફળતાપૂર્વક પરત અપાવ્યા છે.

શ્રમિકોની અટવાયેલી મજૂરી અને ફ્લેટ બુકિંગ જેવા વિવાદોમાં પણ ત્વરિત ન્યાય અપાવી સુરેન્દ્રનગર પોલીસે પ્રજાલક્ષી કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.