સુરત મહાનગરપાલિકાને નવા અને અનુભવી મ્યુનિસિપલ કમિશનર મળ્યા  છે.2004 બેચના સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં સર્જાયેલી અસ્થિરતાનો આખરે અંત આવ્યો છે. નાસિર નગર ડિમોલેશન વિવાદ બાદ તત્કાલીન કમિશનર એમ. નાગરાજનની બદલી થતા SMC કમિશનરનું પદ ખાલી પડ્યું હતું. આ ઘટનાના 26 દિવસ બાદ રાજ્ય સરકારે સુરતને નવા અને અનુભવી મ્યુનિસિપલ કમિશનર આપ્યા છે.2004 બેચના સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

સુરત જેવા ઝડપથી વિકસતા સ્માર્ટ સિટી માટે કમિશનરની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજકુમાર બેનીવાલ વહીવટી ક્ષેત્રે 22 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. આ પહેલા તેઓ ભરૂચ સ્થિત GNFC ના MD તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ ઉપરાંત, વડનગર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અમદાવાદ સંબંધિત મહત્વના પ્રોજેક્ટ્સમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

નાસિર નગર વિવાદ બાદ સુરત મહાનગરપાલિકાના વહીવટમાં અસ્થિરતા જેવો માહોલ સર્જાયો હતો.તત્કાલીન કમિશનરની બદલી બાદ સુરત કલેક્ટર તેજસ પરમાર વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. પરંતુ સુરતના હજારો કરોડના ચાલતા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને અટકવા ન દેવા, તટસ્થ વહીવટી નિર્ણયો લેવા અને કામગીરીને ફરી વેગવંતી બનાવવા માટે સરકારે અનુભવી અધિકારીને SMC ના પૂર્ણકાલીન કમિશનર તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે.