ભરૂચ જિલ્લાના સાયખાં કેમિકલ ઝોનમાં હજુ માંડ 2-3 કંપની શરૂ થઈ છે. ત્યાંજ પ્રદુષણની માત્રામાં વધારો થતા પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યુ છે. જળ પ્રદુષણની ઘટના મામલે GPCB તંત્ર હજી સુધી કોઈ નિષ્કર્ષ પર આવ્યુ નથી, ત્યાં જ સોલિડ કેમિકલ વેસ્ટના મોટા પાયે નિકાલથી પર્યાવરણને ભારે નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતિરીતિના પરિણામે તેઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જવા પામી છે. જેના પગલે સમગ્ર પંથકમાં GPCBની કાર્યવાહી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.
સાયખાં કેમિકલ ઝોનમાં પ્રદુષણની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સાયખાં ઔદ્યોગિક વિસ્તારમાં સોલિડ કેમિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરાતા લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. કેમિકલયુક્ત પ્રદુષિત પાણી કાંસમાં વહેતા સમયસર GPCBને જાણ કરી હોવા છતાંય તંત્ર દોઢ મહીને જાગી નાટ્યાત્મક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરંતુ કેમિકલયુક્ત પાણી કયા ઉદ્યોગ દ્વારા છોડાયું તે બાબતે હજી સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ખાસ કાંઈ ઉકાળી શક્યુ નથી.
સાયખા કેમિકલ ઝોનમાં બે જગ્યાએ કેમિકલયુક્ત પાણી વહેતા હોવાની તપાસ ઠેરની ઠેર છે, ત્યાંજ ખુલ્લામાં સોલિડ કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાની ઘટનાથી સાયખાં કેમિકલ ઝોનમાં ભારે ચકચાર મચી જવા પામી છે. માંડ 2-3 કંપની કાર્યરત છે, તેવા ટાણે પર્યાવરણને પ્રદુષિત કરવાની એક પછી એક ઘટના બનતા પર્યાવરણ વાદીઓની ચિંતામાં વધારો નોંધાયો છે. GPCB પણ તેને મળેલ ફરિયાદોનું સમયસર નિકાલ અને કોઈ જ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી ન કરીને ઢીલાશ રાખતા કેમિકલ માફિયાઓને છૂટો દૌર મળી ગયો હોવાનો સ્થાનિકોમાં ગણગણાટ સંભળાઈ રહ્યો છે. હાલ તો જ્યાં લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું હતું, ત્યાં જ તેની બિલકુલ સામેના વિસ્તારમાં સોલિડ વેસ્ટનો નિકાલ કરાયો છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 4-5 દિવસ પહેલા એક તાડપત્રી બાંધેલી લોડિંગ ગાડી આવી અને સોલીડ વેસ્ટની થેલીઓ નાંખી રવાના થઈ ગઈ હોવાની વિગતો સાંપડી રહી છે. કેમિકલ ઝોનમાં સોલિડ કેમિકલ વેસ્ટના નિકાલની ઘટનામાં નિકાલ કરાયેલ પ્લાસ્ટિકની બેગ ઉપર “ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી”નું લખાણ લખવામાં આવેલું છે, જ્યારે અન્ય બેગ ઉપર કિસપર્સ નેવી લખેલુ છે. બેગના લખાણ જોતા કોઈ કંપની એ જ સોલિડ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કર્યો હોવાની શક્યતા દ્રઢ બનવા પામી છે.
અત્રે નોંધનીય છે કે, નજીકના થોડા દિવસો અગાઉ જ સાયખા કેમિકલ ઝોનમાં 2 અલગ અલગ કાંસમાં કેમિકલ મિશ્રિત પ્રદુષિત પાણી મામલે પ્રસાર માધ્યમોમાં વહેતા થયેલા અહેવાલોના પગલે ભારે ઉહાપોહ પણ સર્જાયો હતો. જળ પ્રદુષણ બાદ ઘન રસાયણ કચરાનો ખુલ્લામાં નિકાલ કરવામાં આવતા સાયખાં કેમિકલ ઝોન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યુ છે, ત્યારે હવે સોલિડ કેમિકલ વેસ્ટના ખુલ્લામાં નિકાલ થતાં સ્થાનિક ઉદ્યોગોની સાથે આસપાસના ગામના લોકોની સંડોવણી હોવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે. કારણ કે, ઉક્ત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સ્થાનિક જ સુપેરે માહિતગાર હોય છે. તેથી હાલના તબક્કે ઔદ્યોગિક વિસ્તારની આસપાસમાં વસવાટ કરતા લોકોની સંડોવણી હોવાની વાતોએ જોર શોર પકડ્યું છે, ત્યારે હવે જોવુ રહ્યુ કે, GPCB આવા ઉદ્યોગ વિરુદ્ધ કેવા પગલાં લે છે.
