ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત શિખર બંગલોઝમાં રહેતા ઝીલ રજનેશકુમાર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. નેપાળ ખાતે આયોજિત સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં ઝીલ પટેલ અને તેમની ટીમે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.

નેપાળ ખાતે સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટ માટે ગુજરાતમાંથી કોસંબાની પી.પી.સવાણી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થિનીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ, તા. 30 જૂન 2026ના રોજ દિલ્હીના ગુડગાંવ ખાતે ‘રોકબોલ આર્મેચર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આ ટીમ નેપાળ રવાના થઈ હતી. નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ભૂટાન, નેપાળ અને ભારતની ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો, અને તમામ મેચો 3-0’ના સ્કોરથી જીતીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. અંતિમ મુકાબલામાં પણ ભારતીય ટીમે નેપાળને 3-0’થી હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. રોકબોલ એ હેન્ડબોલ અને વોલીબોલનું મિશ્રણ છે. આ રમતમાં દરેક ટીમમાં 5 ખેલાડી હોય છે. જેમાં એક ગોલકીપર અને બાકીના ખેલાડીઓ મેદાનમાં નક્કી કરેલા અંતરે રહીને બોલને હાથથી હિટ કરી સામેની ટીમના ગોલપોસ્ટમાં પહોંચાડે છે. મધ્ય વિસ્તારમાંથી પાસ આપીને ગોલ કરવાના 3 પોઈન્ટ મળે છે. ઝીલ પટેલની આ ભવ્ય સફળતાથી તેમના પરિવાર, પી.પી.સવાણી યુનિવર્સિટી અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ છે. ઝીલ પટેલની આ મહેનત અને અથાગ પ્રયત્નોને કારણે આજે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું થયું છે.