ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 30 મૃતદેહોને અગ્નિદાહ, હવે સ્ટાફ પણ ઓછો પડી રહયો છે

New Update
ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 30 મૃતદેહોને અગ્નિદાહ, હવે સ્ટાફ પણ ઓછો પડી રહયો છે

ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 30 જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહયાં હોવાથી હવે 12 સ્વયંસેવકોનો સ્ટાફ પણ ઓછો પડી રહયો છે.

ભરૂચવાસીઓ માટે કોરોનાની નવી લહેર પ્રાણઘાતક સાબિત થઇ રહી છે. રોજના સરેરાશ 30 જેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામી રહયાં છે. સમગ્ર રાજયમાં માત્ર ભરૂચ ખાતે સ્પેશિયલ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે જયાં રોજના લગભગ 30 કરતાં વધારે લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. કોરોનાના કારણે અનેક પરિવારોનો માળો પીંખાય ગયો છે. ગત વર્ષથી શરૂ થયેલો કોરોના હવે વધુ ઘાતક બની ચુકયો છે. ભરૂચમાં પણ ટપોટપ લોકો મોતને ભેટી રહયાં છે.

ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે હવે 12 સ્વયંસેવકોનો સ્ટાફ ઓછો પડી રહયો છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાથી શરૂ થતી અંતિમ સંસ્કારની કામગીરી રાતના 3 વાગ્યા સુધી ચાલે છે. દરરોજના સરેરાશ 30 મૃતદેહોને અગ્નિદાહ આપવાનું હવે મુશ્કેલ લાગી રહયું છે. કોરોનાથી બચવા માટે હવે લોકો પોતાના ઘરોમાં જ રહે તે જ જરૂરી છે. કોરોના વાયરસની ચેઇન તોડવા માટે લોકોએ સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવું જોઇએ. સાથે સાથે વહીવટીતંત્રએ પણ લોકડાઉન અને સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે સ્ટાફ વધારવાની દિશામાં વિચારણા કરવી જોઇએ.