-
નેત્રંગના ચાસવડ દૂધ મંડળીમાં કરોડોનું કૌભાંડ
-
જિલ્લા રજિસ્ટ્રારની તપાસમાં થયો મોટો ધડાકો
-
પૂર્વ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના 17 સભ્યો પાસેથી રૂ.1.69 કરોડની થશે વસૂલાત
-
લાખોની લ્હાણી કરનાર હોદ્દેદારોને 10 ટકા વ્યાજ સાથે રકમ ભરવા આદેશ
-
તપાસ અધિકારી પી.એચ.વાઘેલાએ ફટકાર્યો આકરો દંડ
ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આર્થિક ગેરરીતિ મુદ્દે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અને પૂર્વ પ્રમુખ,ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદારો સભ્યો પાસેથી રૂપિયા 1 કરોડ 69 હજારથી વધુની રકમ 10 ટકા વ્યાજ સાથે વસુલવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની જાણીતી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આર્થિક ગેરરીતિનો મોટો ધડાકો થયો છે. મંડળીના સભ્યોના પરસેવાની કમાણીમાં ગેરવહીવટ કરનારા હોદ્દેદારો સામે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઓડિટમાં ખુલેલી વિગતો મુજબ, રાજ્ય રજિસ્ટ્રારના નિયમોની ઉપરવટ જઈને ખોટા ખર્ચ અને ગિફ્ટ વહેંચનારા 17 હોદ્દેદારો પાસેથી હવે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં માટે હુકમ કર્યો છે. નેત્રંગની ચાસવડ દૂધ મંડળીના વર્ષ 2022-23 અને 2023-24ના ઓડિટ દરમિયાન ઓડિટરની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વ્યવસ્થાપક કમિટી દ્વારા રાજ્ય રજિસ્ટ્રારના પરિપત્રનું ઉલ્લંઘન કરી, મંડળીના ખર્ચે ખોટી રીતે ગિફ્ટો વહેંચવામાં આવી હતી અને અનેક ગેરકાયદે ખર્ચાઓ બતાવવામાં આવ્યા હતા.
આ મામલે કલમ 93 હેઠળ તપાસના આદેશ અપાતા, તપાસ અધિકારી પી.એચ. વાઘેલાએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે મંડળીને કુલ 3 કરોડ 19 લાખ 42 હજારથી વધુનું નુકસાન થયું છે. જે પૈકી 1 કરોડ 69 લાખ 85 હજાર 877 રૂપિયાનો સીધો આર્થિક ગેરવહીવટ હોદ્દેદારોની અંગત મનસ્વીતાને કારણે થયો છે.
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલા આ હુકમથી સહકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ 17 હોદ્દેદારોએ પોતાના હિસ્સે આવતી જવાબદારી મુજબની રકમ 30 દિવસમાં મંડળીમાં જમા કરાવવાની રહેશે. જો આ સમયગાળામાં રકમ જમા નહીં થાય, તો કાયદેસરની વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. પશુપાલકોના નાણાંનો દુરુપયોગ કરનારા તત્વો સામે આ એક દાખલારૂપ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.
