અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે ટૌકતે નામનું વાવાઝોડુ ગુજરાતના કાંઠે ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. સંભવિત વાવાઝોડાના સંદર્ભમાં નવસારી કૃષિ યુનિવર્સીટી તરફથી ભરૂચ અને તાપી જિલ્લાના ખેડુતો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
વાવાઝોડાના કારણે રાજયના વાતાવરણમાં પલટો આવવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આવા સંજોગોમાં શેરડી, તડબુચ, મરચી,ભીંડા, રીંગણ અને વેલાવાળા શાકભાજી પાકોમાં ખેતરોમાં ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો, ડાંગર પકવતા ખેડુતોએ તૈયાર થયેલાં ડાંગરના પાકની કાપણી કરી તેનો સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવો, રીંગણ અને વેલાવાળા પાકોમાં પાળા ચડાવવા, હાલ પુરતું પાકોને ખાતર અને જંતુનાશક દવા આપવાનું મુલતવી રાખવું જોઇએ તેમજ ચક્રવાત પહેલાં તૈયાર થયેલા પાકોની કાપણી કરી લેવી યોગ્ય રહેશે.
આ પગલાં ઉપરાંત ખેડુતો યાંત્રિક ટેકો આપી ફળ, છોડને આધાર આપી શકાય છે તેમજ પાકોનું હલનચલન અટકાવવા માટે છોડની વિરૂધ્ધ દિશામાં ટેકો આપવો જોઇએ. ખાસ કરીને કેરીના તૈયાર થયેલા પાકને ઉતારી લેવો જોઇએ અને કેરીઓને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી લેવી જોઇએ. વધારે પવનની સ્થિતિમાં કેળ અને પપૈયાના છોડને વિરૂધ્ધ દિશામાં ટેકો આપવા માટે તાકીદ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં ખેડુતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે ત્યારે ભારે વરસાદ દરમિયાન પશુઓને બહાર ન રાખવા તથા વરસાદ દરમિયાન તેમને આંતરિક સુરક્ષામાં રાખવા જોઇએ.પશુઓ માટે ગુણવત્તા સભર ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા પશુપાલકોને સુચના આપવામાં આવી છે. મરઘા પાલનનો વ્યવસાય કરનારાઓએ મરઘાના શેડમાં વરસાદી પાણીનો લિકેજ ન થાય તેની ખાસ તકેદારી રાખવી, મરઘાઓને આપવામાં આવતાં ખોરાકને ફુગથી બચાવવા માટે સુકી જગ્યાએ તેનો સંગ્રહ કરવો જોઇએ. વરસાદી પાણી શેડમાં ન પ્રવેશી જાય તેની પણ કાળજી રાખવી જોઇએ તેમ એડવાઇઝરીમાં જણાવાયું છે.