/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24171349/maxresdefault-91.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પિપરીપાન ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીથી નહી પરંતુ પિવાના પાણીની સમસ્યા અહીના ગ્રામજનોને સતાવી રહી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નેત્રંગ રોડ ઉપર પિપરીપાન ગામ આવેલું છે. આ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખા મારી રહ્યાં છે. ગામમાં પાણીના નળ તો છે પણ તેમાં પાણી નથી આવતું. પાણી પુરવઠા યોજના દ્વારા પણ પાણીની લાઈન પણ નાખવામાં આવી છે. પરંતુ તે પણ સોભાના ગાંઠિયા સમાન બની છે. જોકે, ગ્રામજનો દ્વારા કરાયેલી વારંવારની રજુઆતો બાદ સરપંચ દ્વારા એક બોર બાનાવામા આવ્યો છે.
પરંતુ તેમાં હજુ સુધી મોટર નહીં લગાવાતા તે પણ હાલ બંધ હાલતમાં છે. જેના કારણે આ ગામના લોકો અને ઢોર-ઢાંખર માટે પીવાનું પાણી મેળવવા કેટલાક કિલોમીટર સુધી દૂર જવું પડે છે. પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ સરપંચને વારંવાર રજુઆત કરી છે. તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે મહિલાઓએ માટલાં ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આગામી સમયમાં જો આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો દ્વારા આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરી મત નહીં આપવા અંગે પણ જણાવાયું હતું, ત્યારે હવે તંત્ર દ્વારા પિપરીપાન ગામના આદિવાસી લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.