ભરૂચના પાલેજ નજીક આવેલા શિવમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વગર કારચાલક ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પેટ્રોલ પંપ પર ચકચાર મચી છે. બ્લેક કલરની ફોરવ્હીલ કાર લઈને એક અજાણ્યો કારચાલક પેટ્રોલ પંપ પર આવ્યો હતો. કારમાં અંદાજે ₹4,300નું પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે રૂપિયા ચૂકવ્યા નહોતા અને કાર હંકારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ખાસ વાત એ છે કે કાર પર નંબર પ્લેટ જોવા મળી ન હતી. જેના કારણે કારચાલકની ઓળખ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. સમગ્ર ઘટનાક્રમ પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયો છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ CCTV ફૂટેજના આધારે કારચાલકની ઓળખ મેળવવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
