ભરૂચ જિલ્લા કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા અને મદદનીશ સરકારી વકીલ નીલમ મિસ્ત્રીએ એકસાથે સરકારમાં રાજીનામું આપતાં કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બંનેના રાજીનામાનો સરકારે સ્વીકાર કરી લીધો હોવાનું જાણવા મળે છે. તેમના સ્થાને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે.બી. પંચાલને જિલ્લા સરકારી વકીલ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.મુખ્ય સરકારી વકીલ તરીકે પરેશ પંડ્યા ભરૂચ જિલ્લાના અનેક ચકચારી અને મહત્વના કેસોમાં સરકાર તરફથી રજૂઆત કરી ચૂક્યા છે. જેમાં ઝઘડિયામાં બાળકી પર બળાત્કાર બાદ કરવામાં આવેલી ઘાતકી હત્યાનો કેસ, જેમાં આરોપીને ફાંસીની સજા થઈ હતી, હાંસોટ રમખાણ અને ડબલ મર્ડર કેસ તેમજ વટારીયા સુગર મામલે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોળા સામેના કેસનો સમાવેશ થાય છે.આ ઉપરાંત હીરા જોટવા અને તેમના પુત્ર સામેના ચર્ચાસ્પદ મનરેગા કૌભાંડમાં પણ પરેશ પંડ્યાએ સરકાર તરફથી કેસ લડ્યો હતો. તેમના અચાનક રાજીનામાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.બંને સરકારી વકીલોએ અચાનક રાજીનામું કેમ આપ્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ મામલે પરેશ પંડ્યા અને નીલમ મિસ્ત્રી બંનેએ મૌન જાળવ્યું છે.બંને સરકારી વકીલોના રાજીનામા બાદ Directorate of Prosecution વિભાગ પણ હરકતમાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિભાગ દ્વારા બંનેના રાજીનામા રદ કરવા સરકારને ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર આ ભલામણ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા કોર્ટમાં વર્ષ 2022માં નિમણૂક કરાયેલા મદદનીશ સરકારી વકીલોમાંથી અત્યાર સુધીમાં ચાર વકીલો કોઈને કોઈ કારણસર સેવા મુક્ત થઈ ચૂક્યા છે. બીજી તરફ, સરકારી વકીલોની કચેરીના મહેકમ અંગે પણ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.