ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલયના 21માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળા પટાંગણમાં આયોજિત સંગીતમય સુંદર કાંડ પાઠ દરમ્યાન શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય શાળાએ પોતાની સફળતાના 20 વર્ષ પૂર્ણ કરીને 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ઉજવણીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ પાવન અવસર તથા ભકિતમય શ્રાવણ માસ નિમિત્તે શાળાના પટાંગણમાં સંગીતમય સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જય અંબે કલાવૃંદના કલાકાર સંદિપ પુરાણી તથા અન્ય સભ્યોએ મધુર કંઠે શાળાના સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સકારાત્મક ઉર્જાથી તરબોળ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના ટ્રેઝરર કિર્તી શાહ અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય ગોવિંદ પાટણવાડિયા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. જિજ્ઞેશ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠા પટેલ, ડો. માર્ગી પટેલ, શાળાના આચાર્યા શ્રુતિ પટેલ સહિતના શિક્ષકો તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 1250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.