ભરૂચના વાગરાના સારણ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાની હેઠળ  કંપનીઓના પ્રદુષણના કારણે ખેતીના પાકને થતા નુકશાન બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

ભરૂચના વાગરા તાલુકાના સરાણા ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાની હેઠળ હેમાની કોપર પ્રા.લિ. કંપની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કંપનીમાંથી નીકળતા પ્રદૂષણ અને ગેસના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરી ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

સરાણા ગામના ખેડૂતોની રજૂઆત મુજબ, હેમાની કોપર પ્રા.લિ. કંપનીમાંથી નીકળતા પ્રદૂષણ અને ગેસના કારણે આસપાસના ખેતરોમાં ઉગાડવામાં આવતા કપાસ, તુવેર, જુવાર, તલ સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીમાંથી નીકળતા ગેસના કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે અને ખેતી પર નિર્ભર ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, અગાઉ કંપની બંધ હતી ત્યારે આ પ્રકારનું નુકસાન જોવા મળતું નહોતું, જ્યારે છેલ્લા આશરે આઠ મહિનાથી કંપની શરૂ થયા બાદ પાકને વધુ નુકસાન થવા લાગ્યું છે.ખેડૂતોએ કંપનીની કામગીરી અને પ્રદૂષણની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.