ભરૂચ : ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં ગેરકાયદે થતું રેતી ખનન, ભૂસ્તર વિભાગે 5 મશીન તથા 4 નાવડી જપ્ત કરી

New Update
ભરૂચ : ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં ગેરકાયદે થતું રેતી ખનન, ભૂસ્તર વિભાગે 5 મશીન તથા 4 નાવડી જપ્ત કરી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગામ નજીક નર્મદા નદીના પટમાં સરકારી જમીનમાંથી થતું રેતી ખનન ભૂસ્તર વિભાગે ઝડપી પાડ્યું હતું.

ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલા ટોઠીદરા ગામમાં વહીવટી તંત્ર દ્વારા લીઝ સંચાલકોને લીઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કેટલાક લીઝ સંચાલકો દ્વારા પોતાને ફાળવેલી લીઝમાંથી રેતી ખનન નહીં કરી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી ચોરી કરી રેતી ખનન તથા વહનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ભૂસ્તર વિભાગને માહિતી મળી હતી, ત્યારે ટોઠીદરા ગામની સરકારી પડતર જમીનમાં નર્મદા નદીના પટમાં વડોદરાના તથા ભરૂચ જિલ્લાના લીઝ હોલ્ડરના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે મશીનો તથા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં નાવડીઓ મૂકી ડીઝલ એન્જિન દ્વારા રેતી ખેંચવામાં આવતી હોવાનું ભરૂચ ભૂસ્તર વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને ગ્રામજનો દ્વારા ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવી હતી.

ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ઝઘડીયા તાલુકાના ટોઠીદરા ગામે પહોંચી હતી. ત્યારબાદ 5 રેતી ખનન અને ભરવા માટે વપરાતા મશીનો અને 4 જેટલી રેતી ખનન પ્રવૃત્તિમાં વપરાતી નાવડીઓ જપ્ત કરવામાં આવી હતી. જોકે, ભૂસ્તર વિભાગે જપ્ત કરેલ મશીનરી તથા નાવડી રાજપારડી પોલીસ મથકે લઈ જવા માટે ગ્રામજનોએ જણાવ્યું હતું. પરંતુ મોટી મશીનરી પાર્ક કરવા માટે જગ્યાની સુવિધા ન હોવાથી તમામ મુદ્દામાલ અને મશીનરીને સ્થળ પર સીલ કરવામાં આવી હતી.

Latest Stories