નર્મદા જિલ્લાનો જંગલની જમીન વિવાદ
આદિવાસીઓને જમીન ન ખેડવા દેવતા વિવાદ
સરકારે 90 દિવસમાં અધિકાર પત્રની બાંહેધરી આપી હતી
હજુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાનું સાંસદનું નિવેદન
મનસુખ વસાવાએ અધિકારીઓ પર સાધ્યુ નિશાન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જંગલ જમીન વિવાદ મુદ્દે મોટું નિવેદન આપી સરકાર અને અધિકારીઓ પર આકરા પ્રહાર કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડવાના અધિકારને લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સરકાર અને વન વિભાગ સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, જંગલ જમીન ખેડતા ખેડૂતોને અધિકાર પત્ર આપવા અંગે સરકાર દ્વારા 90 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમ્યાન પણ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.મનસુખ વસાવાએ વન વિભાગના કેટલાક અધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, અધિકારીઓ સરકારની સૂચનાઓને ગાંઠતા નથી અને તેના કારણે આદિવાસી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ મુદ્દે બોલતા સાંસદે કહ્યું કે, “આદિવાસીઓ પર આવો અત્યાચાર તો અંગ્રેજોના શાસનમાં પણ થયો નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના વિસ્તારના આદિવાસીઓની સાથે છે.સાગબારા વિસ્તારમાં ખેડૂતો જંગલની જમીન ખેડવા જાય ત્યારે વન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ થતું હોવાની પણ વાત સામે આવી છે. જમીન પર હક અને ખેતીના અધિકારને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.મનસુખ વસાવાએ ચેતવણી આપતા જણાવ્યું કે જો ખેડૂતોને જંગલની જમીન ખેડવાનો અધિકાર આપવામાં નહીં આવે અને અધિકાર પત્રની પ્રક્રિયા ઝડપી કરવામાં નહીં આવે તો આદિવાસીઓ દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે.
હાલ સમગ્ર મામલે સરકાર અને વન વિભાગ તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
