ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તા. ૧૮ એપ્રિલના રોજ ભરૂચ LCBની ટીમને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ફુલવાડી ગામે એક બુટલેગરે પોતાના ઘર નજીક ખેતરમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.
LCB પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ખેતરમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઇ હતી. પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 870 નંગ બોટલ મળી કુલ 97,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કામગીરી દરમ્યાન સ્થળ ઉપર નહીં મળેલ ફુલવાડીનો બુટલેગર સુનિલ વસાવા તેમજ દારુનો જથ્થો મોકલનાર નવાગામ કરારવેલનો રહેવાસી પ્રકાશ ઉર્ફે પકો વસાવાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
