ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાની સાથે જ 5 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. કાચની વસ્તુઓ બનાવતી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટિમ પણ દોડી આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચલાવવામાં આવી રહી છે.