/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/24162410/maxresdefault-188.jpg)
ગુજરાત અને ભરૂચમાં કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખી પરપ્રાંતિયો હવે વતનમાં ઉચાળા ભરવા લાગ્યાં છે. દક્ષિણ અને ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં જતી ટ્રેનોમાં 15મી જુન સુધી રીઝર્વેશન ફુલ થઇ ગયું છે.
ગત વર્ષે કોરોનાના કારણે લાદવામાં આવેલાં લોકડાઉન દરમિયાન વતનમાં પરત જવા માટે શ્રમિકોએ વેઠેલી હાડમારી આપ સૌને યાદ હશે. ગત વર્ષે વતનમાં પરત ગયેલાં કેટલાય શ્રમિકો રોજગારી માટે ગુજરાતમાં પરત ફર્યા છે. હવે કોરોનાની ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે લોકો ટપોટપ મોતને ભેટી રહયાં છે. કોરોના બેકાબુ બની રહયો હોવાથી પરપ્રાંતિય શ્રમિકો પણ હવે તેમના વતનમાં પરત જવા આતુર બન્યાં છે. લોકડાઉનની દહેશત વચ્ચે ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં 15મી જુન સુધી રીઝર્વેશન ફુલ થઇ ગયાં છે. ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછતની ઉભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કન્ટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લદાવાની દહેશત લોકોમાં ફેલાય છે.
ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી 45000 થી વધુ પરપ્રાંતિયોને વતન રવાના કરાયા હતા. ભરૂચ હાઇવે પરથી ચાલતા તેમજ જે વાહનો મળે તેમાં સવાર થઈ વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારોની હિજરતનો આંક તો ગણી શકાય તેમ ન હતો. ગત વર્ષની જેમ દોડધામ ન કરવી પડે તે માટે શ્રમિકો પાણી પહેલા પાળ બાંધી રહયાં છે. ભરૂચ-અંકલેશ્વર, વડોદરા, સુરતથી પસાર થતી બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશ્યલ ટ્રેનોમાં રિઝર્વેશન 15 જૂન સુધી ફૂલ થઈ ગયું છે.ઉત્તર ભારત અને સાઉથની ટ્રેનોમાં ભરૂચ-અંકલેશ્વરથી જ વેઇટિંગનો આંકડો આગામી 52 દિવસ સુધી 48 થઈ લઈ 133 થી વધુનો થઈ ગયો છે.