/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/07152204/BHR_CORONA-CURFEW.jpg)
ભરૂચવાસીઓને જેની દહેશત હતી તે આખરે થઇને જ રહયું…. કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાને રાખી ભરૂચ શહેરમાં બુધવારથી રાત્રિ કરફયુની જાહેરાત કરી દેવામાં આવી છે. રાત્રિ કરફયુની જાહેરાત થતાંની સાથે લોકો કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં.
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહયું હોવાના કારણે રાજય સરકારે 20 શહેરોમાં રાત્રિ કરફયુની જાહેરાત કરી છે. આજે બુધવારના રોજથી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે. આ 20 શહેરોમાં ભરૂચનો પણ સમાવેશ કરાયો છે. ભરૂચમાં બુધવારે સવારથી અનાજ કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં. ખાસ કરીને સેવાશ્રમ રોડ પર આવેલી દુકાનો પર ગ્રાહકોની કતાર જોવા મળી હતી. કેટલીય જગ્યાઓ પર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં હતાં.
રાતના 8 વાગ્યાથી કરફયુની અમલવારી માટે પોલીસતંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યાર સુધીમાં 4 હજાર કરતાં વધારે કેસ નોંધાય ચુકયાં છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ કોરોનાની નવી અને ખતરનાક લહેર શરૂ થઇ ચુકી છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે જયાં કોરોનાના કેસ વધારે છે તેવા 20 શહેરોમાં રાત્રિ કરફયુ અમલી બનાવી દીધો છે.