ભરૂચ જિલ્લાના કરમાડ ગામે રહેતા અને હાલ વિદેશમાં વસતા NRI સેવાભાવીઓ દ્વારા પોતાના વતન ઉપર મહેરબાન થઈ ઉમદા સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ગામના કેટલાક કોરોના સંક્રમિતોના સારા આરોગ્ય માટે જરૂરી સાધન સામગ્રી અર્પણ કરી પ્રેરણાદાયી કાર્ય કરાયું છે.
છેલ્લા એક વર્ષથી અકલ્પનીય પરિસ્થિતિમાં આખો દેશ અને એક રીતે જોયે તો આખું વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક પુરવાર થઈ રહી છે. રાજ્યભરની કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને ઑક્સીજન બોટલની પણ ઉણપ વર્તાઇ રહી છે.
તેવામાં કોરોના સંક્રમિતોની સેવા કરવા માટે કેટલીક સામાજિક સંસ્થા સાથે સેવાભાવી લોકો પણ આગળ આવી રહ્યા છે, ત્યારે કોરોના દર્દીઓ માટે હોસ્પીટલમાં બેડ અને ઑક્સીજન બોટલની ઉણપને જોતા ભરૂચ જિલ્લાના NRI લોકો ભરૂચના ગામડાઓ પર મહેરબાન થયા છે. જેમાં મૂળ કરમાડ ગામના રહેવાસી અને હાલ ઇંગ્લેન્ડ વસતા NRI સેવાભાવીઓએ એક બાયપેપ મશીન, 10 ઑક્સીજન કોન્સન્ટ્રેટર મશીન અને 1200 જેટલા ઓક્સિમીટર સીધા ઈંગ્લેન્ડથી પોતાના કરમાડ ગામના લોકો માટે મોકલ્યા છે, ત્યારે આ સેવાકાર્ય બદલ કરમાડના ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.