ભરૂચ જિલ્લામાં ઓએનજીસી કંપનીના તેલના કુવાઓમાંથી રીફાઇનરી સુધી મોકલવામાં આવતાં ક્રુડ ઓઇલની લાઇનમાં પંકચર પાડી ઓઇલચોરીનું વધુ એક કૌભાંડ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયું છે.
ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકામાં ઓએનજીસી કંપનીના તેલના કુવાઓ આવેલાં છે જેમાંથી ક્રુડ ઓઇલ કાઢી તેને પાઇપલાઇનથી કોયલી ખાતે આવેલી રીફાઇનરીમાં મોકલવામાં આવે છે. આ પાઇપલાઇનમાં ક્રુડ ઓઇલનું પ્રેસર વધારે હોવા છતાં કેટલાક ઓઇલચોરો જીવના જોખમે આ પાઇપલાઇનમાં પંચર પાડે છે. પંચર પાડેલી જગ્યાએ વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલની ચોરી કરી તેને ટેન્કરો મારફતે સગેવગે કરી દેતાં હોય છે.
ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એન.ઝાલા તથા તેમની ટીમે જંબુસર તાલુકાના ખાનપુર ગામના ઇકબાલ ઇસ્માઇલ પટેલની અટકાયત કરી હતી. ઇકબાલ પટેલ અગાઉ ઓએનજીસી કંપનીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતો હતો. ઇકબાલની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેણે તેના સાગરિત જાવિદ તથા અન્યોની મદદથી ક્રુડ ઓઇલની ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી. એલસીબીએ જંબુસરના માંઇના લીમડા વિસ્તારમાં રહેતાં જાવિદપટેલને પણ ઝડપી પાડયો હતો.
બંને આરોપીઓએ વાંસેટા અને મગણાદ ગામ વચ્ચે ઓએનજીસી કંપનીની પાઇપલાઇનમાં જયાં પંચર પાડયું હતું તે સ્થળ પોલીસને બતાવ્યું હતું. પોલીસને પાઇપલાઇનમાં પંચર પાડવા તથા ઓઇલચોરીમાં વપરાતાં સાધનો મળી આવતાં તે કબજે લેવાયાં છે. ઓઇલચોરીના કૌભાંડના તાર મહેસાણા સુધી જોડાયેલાં છે અને નવ આરોપીઓ હજી ફરાર હોવાથી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ટોળકી ફેબ્રુઆરી મહિનાથી ક્રુડ ઓઇલની ચોરી કરી તેનું વેચાણ કરતી હોવાની વિગતો સપાટી પર આવી છે.