ભરૂચ : પાલિકામાં સમિતિઓના ચેરમેનોએ સંભાળ્યો ચાર્જ, ગાઇડલાઇનના ઉડયાં ધજાગરા

New Update
ભરૂચ : પાલિકામાં સમિતિઓના ચેરમેનોએ સંભાળ્યો ચાર્જ, ગાઇડલાઇનના ઉડયાં ધજાગરા

ભરૂચમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. શહેરમાં એક તરફ મોતનો માતમ છે ત્યારે ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોએ સાદગીના બદલે કાર્યકરોના ટોળા ભેગા કરી ચાર્જ સંભાળતાં લોકોની ટીકાનો ભોગ બન્યાં છે.

ભરૂચ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં યુવાવર્ગ સૌથી વધારે ભોગ બની રહયો છે. કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 30 કરતાં વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર થઇ રહયાં છે. બીજી તરફ બે દિવસ પહેલાં જ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 18 વ્યકતિઓના મોત થયાં છે. ચારે તરફ મોતનો માહોલ છે તેવામાં ભરૂચ નગરપાલિકાની 13 સમિતિઓના ચેરમેનોએ આજે સોમવારના રોજ ચાર્જ સંભાળ્યો હતો. શહેરના વિકાસ માટે વિવિધ સમિતિઓના ચેરમેન ચાર્જ સંભાળી લે તે આવકારદાયક બાબત છે પણ ચેરમેનોએ સાદગીથી ચાર્જ લેવાના બદલે ટોળા ભેગા કર્યા હતાં.

ભરૂચમાં વધતા કોરોનાના કેસના સંદર્ભમાં પાલિકા સત્તાધીશો સ્વયંભુ લોકડાઉનની અપીલ કરી રહયાં છે તો બીજી તરફ પોતે જ ટોળા ભેગા કરી રહયાં છે. પાલિકાના હોદ્દેદારોનું આવું વલણ ટીકાને પાત્ર બન્યું છે. હાલ તો સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળી લીધો છે અને તેમના ટેકેદારોએ પાલિકા કચેરી ખાતે પહોંચી તેમને અભિનંદન પણ આપી દીધાં છે. મોતના માતમ વચ્ચે ચેરમેનોએ સાદગીથી ચાર્જ સંભાળ્યો હોત તો કદાચ મહામારીમાં પિસાઇ રહેલાં લોકોના હદયમાં સ્થાન મેળવી શકયાં હોત……

Latest Stories