ભરૂચ જિલ્લાના પાનોલી GIDCની કેમિકલ ફેકટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી GIDCમાં આવેલ શ્રીજી કેમિકલ નામની ફેક્ટરીના પ્લાન્ટમાં શનિવારની વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે ફેક્ટરીમાં હાજર કર્મચારીઓ બહાર દોડી ગયા હતા. જોકે કંપનીમાં અત્યંત જ્વલનશીલ રસાયણ હોવાના કારણે આગ ગણતરીની મિનિટોમાં પ્રસરીને આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ હતી. બનાવના પગલે આસપાસના ફાયર ફાયટરોને કોલ મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લગભગ દોઢ કલાકની જહેમત સાથે આગને કાબુમાં લેવા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે હાલ સુધી કેમિકલ ફેક્ટરીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીનો કિસ્સો સામે આવ્યો નથી. પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો પણ અંદાજ લાગાડવામાં આવી રહ્યો છે.