શ્રવણ ચોકડી નજીક ક્રોમા શો-રૂમ પાસેથી રાહદારીનો મોબાઇલ આંચકી ફરાર થયો હતો; પોલીસે ગુનામાં વપરાયેલી રૂ. 50 હજારની પલ્સર બાઇક કબજે કરી છે.

ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીક મોબાઇલ સ્નેચિંગની ઘટનાનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી રૂ. 50 હજારની બજાજ પલ્સર મોટરસાઇકલ પણ કબજે કરી છે.

ગત તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ શ્રવણ ચોકડી નજીક આવેલા ક્રોમા શો-રૂમ પાસેથી એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક ફરિયાદીની પાછળથી આવ્યો હતો અને તેમના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાએ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરતાં કાળા રંગની બજાજ પલ્સર મોટરસાઇકલ પર સવાર એક શખ્સ મોબાઇલ ફોન આંચકી જતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે પકડાયેલા આરોપી યામીન અલ્તાફ પટેલ (રહે. કોસાડ આવાસ, અમરોલી, સુરત; મૂળ રહે. નવીનગરી, સરનાર, ભરૂચ) પાસેથી ગુનામાં વપરાયેલી બજાજ પલ્સર 220 મોટરસાઇકલ નંબર GJ-05-SM-3042, જેની કિંમત રૂ. 50 હજાર આંકવામાં આવી છે, તે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ કોસંબા, જંબુસર અને માંડવી પોલીસ મથકોમાં ચોરી, લૂંટ અને મોબાઇલ સ્નેચિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.