ભરૂચના ઝઘડિયાની સરસાડ સરકારી માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઇ પટેલે ઈકો ગાડી ચાલકને બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ રાખ્યા હતા. પરિવહન યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના 3000 લેખે કમિશન પેટે આપવાનું લાંચિયા આચાર્યે જણાવ્યું હતું.
જેમાં ઇકો ચાલકના ચાલુ વર્ષના ત્રણ મહિનાના 9000 તેમજ અન્ય એક સ્કૂલ વર્ધિ વાહન ચાલકના વર્ષ 2024ના વાનના રૂપિયા 13000 અને વર્ષ 2025 ના 3 મહિનાના 9000 ના બિલો બાકી હતા. એમ કુલ રૂપિયા 31000 ની બન્ને વાહન ચાલકો પાસે આચાર્યે લાંચની માગણી કરી હતી.બન્ને વાહન ચાલકો લાંચ આપવા માંગતા ન હોય ACB નો સંપર્ક કર્યો હતો.
વડોદરા નાયબ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં ભરૂચ ACB PI એમ.જે.શિંદેએ લાંચનું છટકું ગોઠવ્યું હતું.શાળાના કમ્પાઉન્ડમાં જ બન્ને વાહન ચાલકોના બિલો પાસ કરવા કમિશન પેટે ₹31000 ની લાંચ સ્વીકારતા ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ભરૂચ ACB એ લાંચિયા આચાર્યને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.