રાજપારડી-GMDC મુખ્ય માર્ગ બન્યો અત્યંત બિસ્માર
મસમોટા ખાડાઓ સહિત કાદવ અને કીચડનું સામ્રાજ્ય
મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો પરેશાન
ખાડાઓ પુરવાની કામગીરી નહીં થતાં સ્થાનિકોમાં રોષ
વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરાય તેવી લોકમાંગ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મધુપુરા ફાટકથી GMDC’ને જોડતો માર્ગ હાલ બિસ્માર બન્યો છે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મધુપુરા ફાટકથી GMDC મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, અને કાદવ કીચડના કારણે વાહન ચલાવવું તેમજ પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા મહિના અગાઉ આ માર્ગના નવીનીકરણ માટે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા અને સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જોકે, મહિનાઓ વીતી ગયા હોવા છતાં નવીનીકરણની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી.
આ માર્ગ પરથી આસપાસના ગામોના લોકો ઉપરાંત GMDC વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટમાં આવતા-જતા વાહનોની પણ અવરજવર રહે છે. માર્ગ પર રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થિતિ એવી છે કે, માર્ગનું નવીનીકરણ તો દૂરની વાત છે. હાલ પડેલા ખાડાઓ પુરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
