ભરૂચ : સારોદ ખાતે રૂ. 22 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું, ગ્રામજનોમાં ખુશીનો માહોલ

New Update
ભરૂચ : સારોદ ખાતે રૂ. 22 લાખના ખર્ચે નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું, ગ્રામજનોમાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ખાતે રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ પામનાર રોડનું રાજ્યના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સારોદ ગામમાં આવેલ કુમાર શાળાથી લઈને સરકારી દવાખાના સુધીના માર્ગને ગ્રામ સુવિધા પથ યોજના હેઠળ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં 200 મીટર લંબાઈ અને 5.5 મીટર પહોળાઇ ધરાવતા માર્ગના નવીનીકરણ માટે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા વર્ષ 2020-21ની ગ્રાન્ટમાં મંજૂરી અપાઈ હતી, ત્યારે આ માર્ગનું રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

જોકે, સારોદ ખાતે આ માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ઘણો જ હતો. ઉપરાંત રોડ ઉપર પણ ખૂબ જ ખાડા પડી જવાથી માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો. જેથી હવે આ માર્ગનું નવીનીકરણ કરતાં ગ્રામજનોની માંગણીનો અંત આવ્યો છે, ત્યારે નવીન બનનાર માર્ગનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, અજીતસિંહ સિંધા, વેડચ જિલ્લા પંચાયત સદસ્ય સંજય સિંધા, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ, બીજેપી લઘુમતી તાલુકા પ્રમુખ સલીમ ગદ્દુ સહિત પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.