ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામમાં અજાણ્યા વ્યક્તિનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઇખરથી મેસરાજ જવાના માર્ગ પર આવેલા કપાસના ખેતરની બાજુમાં ઘાસમાં મૃતદેહ મળી આવતાં ઘટનાની જાણ વાયુવેગે ફેલાઈ હતી, જેના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં ગામના સરપંચે તાત્કાલિક આમોદ પોલીસનો સંપર્ક કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. માહિતી મળતાં જ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. હાલ મૃતકની ઓળખ મેળવવા તેમજ તેનું મોત કયા સંજોગોમાં થયું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. મૃતકની ઓળખ શું છે, તેનું મોત કેવી રીતે થયું અને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે, તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
