તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના ગામોના લોકોને સલામત સ્થળે પહોંચાડાયા હતા, જ્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ તાઉતે વાવાઝોડાને પગલે ભર ઉનાળે ચોમાસુ બેઠુ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે.
ઝઘડીયા તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાયા છે. કમોસમી વરસાદને લઇને ખેતીને વ્યાપક નુકશાન થયુ હોવાની વાતો સામે આવી છે. ઝઘડીયા તાલુકામાં શેરડી અને કેળના પાક મોટા પ્રમાણમાં લેવાય છે. ઉપરાંત અનાજ કઠોળ, ફુલો, શાકભાજી સહિતના પાકો પણ સારા પ્રમાણમાં લેવાય છે. હાલમાં ચાલી રહેલ વિશ્વવ્યાપી કોરોના મહામારીને લઇને મંદીનો માહોલ ફેલાયો છે, તેમાં તાઉતે વાવાઝોડાની અસરથી કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકશાન થયુ હોવાની વાતો ખેડૂત આલમમાંથી જાણવા મળી છે.
મળતી વિગતો મુજબ, કેળ, ઉનાળુ મગ, ડાંગર, તલ, કેરી, પપૈયાં, શેરડી જેવા પાકોને પણ મોટુ નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકશાન થવાની દહેશત વર્તાય છે. ચાલુ વર્ષે કેળના પાકનો ભાવ આમેય ઓછો હતો, જ્યારે વાવાઝોડાની અસરે કેળના પાકને મોટુ નુકશાન થતાં કેળ પકવતા ખેડૂતોએ બેવડુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
કેરી અને પપૈયાંનો અપરિપક્વ ફાલ પણ પવનથી નીચે પડી જતા અથાણાના શોખીનો માટે અથાણાનો સ્વાદ મોંઘો બનશે. મહત્વનો અને લાંબા ગાળાનો રોકડીયો પાક ગણાતી શેરડી પાકનું પણ ઝઘડીયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. ઉપરાંત શેરડી પાકના ઉતારમાં વજન ના પકડાતા તે બાબતે પણ ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન વેઠવુ પડે તેવી સ્થિતિ પણ સર્જાવા પામી છે. આમ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કોરોના મહામારી વચ્ચે તાઉતે વાવાઝોડાની અસર જનજીવન ઉપર સ્પષ્ટપણે દેખાઇ રહી છે.