ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.નગરપાલિકા દ્વારા દંડાતમક કાર્યવાહી બાદ પણ પશુમાલિકો સુધારવાનું નામ ન લેતા હોવાનું લાગી રહ્યું છે
ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત સાથે જ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર ગાય-બળદ સહિતના પશુઓ આખો દિવસ અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.માર્ગોની વચ્ચે બેઠેલા પશુઓના કારણે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાએ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. પાલિકા દ્વારા પકડાયેલા પશુઓને છોડાવવા માટે પશુના માલિક પાસેથી ₹3,000નો દંડ વસૂલવામાં આવે છે.ઉપરાંત, પશુ પાલિકાની દેખરેખમાં જેટલા દિવસ રહે તે મુજબ પ્રતિદિન ₹1,000નો વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે.જોકે, દંડાત્મક કાર્યવાહી છતાં કેટલાક પશુ માલિકોમાં કોઈ સુધારો જોવા મળતો નથી. દંડ ભરી પશુઓને છોડાવ્યા બાદ ફરી તેમને ખુલ્લા રસ્તા પર રખડતા મૂકી દેવામાં આવે છે.આવા પશુના માલિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. તો બીજી તરફ તંત્ર દ્વારા વારંવાર ભૂલ કરતા પશુ માલિકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.
