રાજયની પ્રખ્યાત પટેલ ટ્રાવેલ્સે તેની બસો વેચવા કાઢી છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય કયાં દોરમાંથી પસાર થઇ રહયો છે તેની કલ્પના કરી શકાય છે. ભરૂચમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં સંચાલકોએ પણ 30મીથી તેમના વાહનો આરટીઓ કચેરીમાં જ પાર્ક કરી દેવાની ચીમકી આપી છે.
કોરોના વાયરસે ટ્રાવેલ્સ વ્યવસાયની કમર તોડી નાંખી છે. કોરોના કાળમાં મોટાભાગના ફરવા લાયક સ્થળો બંધ હોવાથી અનેક પ્રવાસો અને ટ્રીપો રદ કરવાની ટ્રાવેલ્સ સંચાલકોને ફરજ પડી છે. બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ગાડીઓના ટેક્સ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસ ના વધતા જતા સંક્રમણના કારણે સ્કૂલો શાળાઓ ફરી વખત બંધ થવાના વારો આવ્યો છે.
બીજી તરફ સરકાર દ્વારા ઊભેલી ગાડીઓના પણ ટેક્ષ એડવાન્સમાં લેવામાં આવી રહયો હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો દેવામાં ગરકાવ થઇ રહયાં છે. ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહયાં છે કે, સરકાર ફરતી ગાડી ના ટેક્સ વસૂલે તો વાંધો નહીં પરંતુ જ્યારે પ્રવાસો અને શાળા કોલેજ બંધ છે ત્યારે કોઇપણ જાતનો ધંધો સંચાલકોને મળી રહ્યો નથી જેના કારણે બસો બંધ પડી છે. બંધ બસોનો પણ ટેક્સ સરકાર લઇ રહી છે. ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ એસોસિએશને પોતાની ગાડીઓ તારીખ 30ના રોજ આરટીઓ કચેરીના પાર્કિંગ માજ પાર્ક કરી દેવાની ચીમકી આપી છે.