આજરોજ તા. 9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’

આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

સમાજના યુવાઓએ ઈદગાહ વિસ્તારથી વિશાળ રેલી યોજી

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા

સમાજના યુવાનોને સંગઠિત-શિક્ષિત બનવા સંદેશ અપાયો

આજરોજ તા. 9 ઓગસ્ટ એટલે કે, ‘વિશ્વ આદિવાસી દિવસ’, ત્યારે ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ તા. 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ શહેરના ઈદગાહ વિસ્તારથી રેલી સ્વરૂપે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી વિશાળ રેલી યોજી હતી. રેલી દરમ્યાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ સાથે જ “એક તીર, એક કમાન-આદિવાસી એક સમાન” સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી. તો બીજી તરફ, રેલીમાં હાજર લોકો માટે લઘુમતી સમાજ દ્વારા પીવાના ઠંડા પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી. જેમાં ભરૂચ નાગપાલિકાના વોર્ડ નં. 2ના સભ્ય સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.