રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે આયોજન કરાયું
નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખએ પત્રકાર પરિષદ યોજી
SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ કોંગ્રેસ પર પલટવાર
શબ્દશરણ તડવીએ કોંગ્રેસ સામે કર્યા આકરા શાબ્દિક પ્રહાર
SIR અંગે કોંગ્રેસના આક્ષેપોને રાજકીય દાવા તરીકે ગણાવ્યા
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવીએ પત્રકાર પરિષદ યોજી SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ કોંગ્રેસના આક્ષેપો સામે પલટવાર કર્યો હતો.
તાજેતરમાં જ મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધનના આક્ષેપો સામે પલટવાર કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકા વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના તાજેતરના સંયુક્ત નિવેદનથી SIR પ્રક્રિયા અંગે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ હોવાના આક્ષેપો અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ છે.
ચૂંટણી પંચે જણાવ્યું છે કે, કમિશનના સભ્યો દ્વારા ડ્રાફ્ટ તબક્કે કરવામાં આવેલા પ્રશ્નો, સૂચનો અને અવલોકનો નિર્ણય પ્રક્રિયાનો સામાન્ય હિસ્સો છે અને SIR સંબંધિત અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા. વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન દ્વારા SIRને લઈને જનતામાં ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈપણ પ્રશ્ન હોય તો તેનો જવાબ તથ્યો અને સત્તાવાર દસ્તાવેજોના આધારે મળવો જોઈએ.ચૂંટણી પંચે ગત તા. 26 સપ્ટેમ્બરના પોતાના નિવેદનમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે, SIR સંબંધિત તમામ આદેશોને ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરી હતી. આ સાથે જ, SIR દરમિયાન નોટિસ મળેલા કેટલાક મતદારો માટે BLO દ્વારા ઘરે જઈ દસ્તાવેજો એકત્રિત કરવાની અને જરૂરી પ્રક્રિયા ઓનલાઈન કરવાની વ્યવસ્થા અંગે પણ નિર્ણય લેવાયો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ દ્વારા SIR અંગે કરવામાં આવેલા આક્ષેપોને રાજકીય દાવા તરીકે ગણાવી ચૂંટણી પંચના સત્તાવાર નિવેદન અને પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં SIR, મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે ભાજપ તરફથી પક્ષનો અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.
