ભરૂચના આમોદ તાલુકાના સમની ગામે શ્રી દેવ નારાયણ જનરલ સ્ટોરમાં એક્સપાયરી ડેટના નાસ્તાના પેકેટો તથા નુકસાનગ્રસ્ત પેકેટો વેચાતા હોવાના આક્ષેપને પગલે હોબાળો મચ્યો હતો. દુકાનમાં બાલાજીના ગાંઠિયાના કેટલાક પેકેટો એક્સપાયરી ડેટના હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ કેટલાક પેકેટોને ઉંદર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ગ્રામજનોના આક્ષેપ મુજબ, નુકસાનગ્રસ્ત પેકેટો પર સેલર ટેપ લગાવીને ફરીથી વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં ગ્રામજનોએ દુકાન પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.સમગ્ર મામલે દુકાનદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, દુકાનદારે એક્સપાયરી ડેટવાળા માલ અંગે પોતાની વાત સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા મીડિયા તેમજ સંબંધિત ફૂડ સેફ્ટી વિભાગને કરવામાં આવી છે. ગ્રામજનોની માંગ છે કે દુકાનમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તારીખ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જો નિયમભંગ સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.