/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/06143642/QcF6LeCB-e1620292204653.jpg)
ભરૂચ શહેરમાં ભર ઉનાળે પાણીની પારાયણ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 11ના ચુનારવાડ વિસ્તારમાં પાણી ન મળવાના કારણે રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચમાં એક તરફ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે તો બીજી તરફ પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે રહીશોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ ચુનારવાડની વાત કરીએ તો ચુનારવાડમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન આવતું હોવાના કારણે રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સમયે આ વિસ્તાર નજીક પાણીની લાઇન ખોદવામાં આવી હતી પરંતુ બાદમાં તેનું સમારકામ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે એવા જ સમયે પાણી ન મળતા લોકોએ હેન્ડપંપ પાણી ભરવા જવું પડે છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાનું પાણી પણ ન મળતા ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.