રોડ સેફટીના સંદેશા સાથે મોપેડ પર દેશમાં 1.24 લાખ કિમીનું અંતર કાપી યુવાન ભરૂચ પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું

રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી બેંગલુરુના દિવાકર રેડ્ડી છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાં મોપેડ પર એકલા પ્રવાસ કરી રહ્યા છે. તેઓએ 1 નવેમ્બર 2023થી શરૂ કરેલી પોતાની ઓલ ઈન્ડિયા ટ્રિપ અંતર્ગત અત્યાર સુધીમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે અને 998 દિવસની યાત્રા પૂર્ણ કરી છે.દિવાકર રેડ્ડીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા અને રોડ સેફટી અંગે જાગૃત કરવાનો છે. તેઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવાસ કરીને લોકો સુધી સુરક્ષિત વાહનચાલનનો સંદેશ પહોંચાડી રહ્યા છે. આગામી સમયમાં 2 લાખ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવવાનો તેમનો લક્ષ્ય છે.ભરૂચ પહોંચેલા દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી અને આવકાર આપનારા છે, જેના કારણે તેમની યાત્રા વધુ યાદગાર બની છે.