ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર ગડખોલ પાટિયા નજીક નવનિર્માણ પામેલા ટી-બ્રીજ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક ટી-બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ બ્રિજ નિર્માણ પામ્યો છે, ત્યારથી આજદિન સુધી અહી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહી અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ સાથે જ કેટલાક લોકોને તો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આપ જોઈ શકો છો કે, ગડખોલ ટી-બ્રીજ ઉપર મોડી રાત્રીએ કેવો અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. અંધારપટના કારણે અકસ્માતોની વણઝારના આક્ષેપ સાથે અંકલેશ્વર, હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મેદાને આવ્યા છે. યૂથ કોંગ્રેસના કાર્યકરોએ ગડખોલ પાટિયા ટી-બ્રીજ ખાતે ભેગા થઈ સૂત્રોચ્ચાર અને ઉગ્ર દેખાવો કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેમાં વહેલી તકે આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ અને CCTV કેમેરા સહિતની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે, રસ્તા રોકો આંદોલન કરી રહેલા કોંગ્રેસના 40 થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.