Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પ્રથમવાર જૂના બોરભાઠા બેટના યુવાન ખેડૂતે પ્રાયોગિક ધોરણે કરી ગુલાબી કોબીજના છોડની વાવણી...

સાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે,

X

સાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના યુવાન ખેડૂતે ગ્રીન કોબીજ સાથે એક પટ્ટામાં પ્રાયોગિક ધોરણે ગુલાબી કોબીજના છોડની વાવણી કરી છે. આ પ્રગતિશીલ ખેડૂતે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી દિશા સુચવી છે.

ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં રહેતા ખેડૂત પ્રિતેશ પાટણવાડિયા છેલ્લા 17 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 9 પાસ કર્યું છે. પિતાના અવસાન બાદ ખેડૂત નોકરીની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે. ખેડૂતે પોતાની 1.5 વીઘા જમીનમાં 2 જાતના કોબીજની ખેતી કરી છે. ખેડૂત પાદરા ખાતેથી ગુલાબી જાતના કોબીજના રૂપિયાનો 1 છોડ એમ કુલ 300 છોડ લાવ્યા હતા. ખેડૂતે જાન્યુઆરી મહિનામાં કોબીજનું વાવેતર કર્યું હતું. તેઓ ખેતીમાં દર 11થી 12 દિવસે પાણી આપે છે. કોબીજની ખેતીમાં માવજત માટે છાણીયું ખાતરનો વપરાશ કરે છે. ખેડૂતના રેગ્યુલર કોબીજનો પાક 45થી 60 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો ગુલાબી કોબીજનો પાક 70 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને અંકલેશ્વરના માર્કેટમાં આં કોબીજનો પાક આપવામાં આવે છે, જ્યાં 20 કિલો રેગ્યુલર કોબીજનો ભાવ 400થી 500 રૂપિયા મળી રહે છે, જ્યારે ગુલાબી કોબીજનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો મળે છે. જોકે, ખેડૂત ગુલાબી કોબીજના પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે. તો આવતા વર્ષે મોટાપાયે ગુલાબી કોબીજની ખેતી કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતે જિલ્લાના અન્ય ખેડૂતોને પણ ગુલાબી કોબીજની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

Next Story