Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નડિયાદથી કાર લઈને બકરાં ચોરી કરવા આવેલ ટોળકીના 4 સાગરીતોની LCBએ કરી ધરપકડ…

અંકલેશ્વર : નડિયાદથી કાર લઈને બકરાં ચોરી કરવા આવેલ ટોળકીના 4 સાગરીતોની LCBએ કરી ધરપકડ…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકને જાણે બકરાં ચોરોએ ગઢ બનાવી લીધો હોય તેમ તાજેતરમાં વટવાની ટોળકી ઝડપાયા બાદ હવે કારમાં 6 બકરાંઓને ચોરી જતી નડિયાદની ટોળકીના 4 સાગરીતોને LCB પોલીસે 100 કિમી દૂર સુધી પીછો કરી ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર પંથકમાં છેલ્લા 3-4 મહિનાથી બકરાં ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો. હાલમાં જ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે વટવાથી કાર લઈ અંકલેશ્વરમાં બકરાં ચોરી કરવા આવતા 2 આરોપીને પકડી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર હજી વોન્ટેડ છે. આ દરમ્યાન ભરૂચ LCB પી.આઈ. ઉત્સવ બારોટે કાર લઈ પશુ ચોરી કરવા આવતી ટોળકીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ કારની ગતિવિધિઓ ઉપર વોચ શરૂ કરાઇ હતી. જેમાં LCB પીએસઆઈ જે.એન.ભરવાડ અને પી.એમ.વાળા અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બકરા ચોર ટોળકી કારમાં બકરાં ચોરી કરી બોરભાઠા ગામ તરફ ભાગતાં હોવાની માહિતી મળી હતી, ત્યારે LCBની 3 ટીમોએ ક્રેટા કારનો પીછો કરતા બકરાં ચોર કાર અંકલેશ્વર તાલુકમાંથી હાંસોટ, વાલિયા થઈ ઝઘડિયા તાલુકાના ગામો તરફ હંકારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે સારસા-રાજપારડી સિંગલ પટ્ટીના માર્ગ ઉપર ક્રેટા કારને ઘેરવા રાજપારડી PSI જી.આઈ.રાઠવાનો સંપર્ક કરી રસ્તો જામ કરી ટોળકીની કારને ઘેરી લેવાય હતી. આરોપીઓએ પોલીસના કહેવા છતાં કારનો કાચ નહીં ખોલતા પોલીસે કાચ તોડ્યો હતો. ત્યારબાદ અંદરથી 4 આરોપી 6 બકરાં સાથે ઝડપાય ગયા હતા. સમગ્ર મામલે LCB પોલીસે કાર, બકરાં, 3 મોબાઇલ મળી કુલ 8.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ છેલ્લા અઢી મહિનામાં અંકલેશ્વરમાં 5 વખત આવી 7 સ્થળેથી કારમાં 24 બકરાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ અંકલેશ્વર ઉપરાંત વડોદરા, આણંદ સહિત હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ 8 વખત બકરાં ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

Next Story