અંકલેશ્વર : બોગસ માર્કશીટની સાથે સાથે ચલણી નોટ છાપવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા. જેમાં પાસ થયાનું પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલાતા હતા.

New Update
અંકલેશ્વર : બોગસ માર્કશીટની સાથે સાથે ચલણી નોટ છાપવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

અંકલેશ્વરના ઓમકાર 2 કોમ્પ્લેક્ષ અને અંદાડામાંથી ભરૂચ પોલીસે બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાના કૌભાંડ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. હાંસોટની રામનગર સોસાયટીમાં રહેતો સચીન પ્રેમાભાઈ ખારવા અત્રી કન્સલ્ટન્સીના ઓથા હેઠળ જોબ પ્લેસમેન્ટના નામે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

સચિન ની વધુ પૂછપરછ કરતા તેણે આ માર્કશીટ અંડાદાની હરિઓમ રેસિડેન્સીમાં રહેતો રાહુલ નરેન્દ્ર પરમાર આપતો હોવાનું કબુલ્યું હતું. પોલીસે રાહુલના ઘરે દરોડા પાડયાં હતાં. તેના ઘરેથી ધોરણ 10, 12 કોલેજ, વીર નર્મદ યુનિવર્સીટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.

બન્ને આરોપીને ત્યાંથી પોલીસે કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ 404 હોલમાર્ક સ્ટીકર 239 ડુપ્લિકેટ બનાવેલી માર્કશીટ તેમજ 43 અસલ માર્કશીટ મળી આવતા જપ્ત કરાઈ હતી. આરોપી રાહુલ પાસેથી 50 અને 100 ના દરની 48 છાપેલી નકલી નોટો પણ મળી આવી હતી.

બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા. જેમાં પાસ થયાનું પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલાતા હતા. તો રાહુલ સચિનને નાપાસ વિદ્યાર્થી શોધી લાવવા ₹5 હજાર આપતો હતો. બોર્ડ, યુનિવર્સીટીની વેબસાઈટ ઉપરથી લોગો અને માર્કશીટના નમૂના સ્કેન કરી સમગ્ર રેકેટ આચરવામાં આવતું હતું.

સચિન અને રાહુલ કોમ્પ્યુટર ઉપર નાપાસ થયેલા વિધાર્થીઓની અસલ માર્કશીટ લઈ પાસ થયેલી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. બન્નેના ત્યાંથી અત્યાર સુધીમાં કુલ 282 જેટલી માર્કશીટ, પ્રમાણપત્ર, LC, બોનોફાઇડ સર્ટિફિકેટ મળી આવતા તેઓએ ₹40 થી 50 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ શકયતા સેવાઈ રહી છે.

Latest Stories