અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે એકાએક રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઈડ ઉપરના લારીગલ્લાઓના દબાણોને નોટિફાઈડ એરીયા ઓર્થોરિટીના સતાધિશોએ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.નોટિફાઈડ વિસ્તારના સરદાર પાર્કથી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઉભેલી અડચણરૂપ લારી,ગલ્લાઓના દબાણો દૂર કરાયા હતા.બપોર બાદ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત કરાઈ હતી.ટ્રાફિક સમસ્યા તેમજ બિન અધિકૃત રીતે ઉભા થયેલા લારી ગલ્લા અંગે મળેલી વ્યાપક ફરિયાદોને આધારે નોટીફાઈડ ચીફ ઓફિસર વિપુલ ગજેરાના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવાની કામગીરી સિક્યુરીટી વિભાગ સાથે રાખી કરાઈ હતી.દબાણ ટીમોએ સરદાર પાર્ક, સેન્ટર પોઇન્ટ, માનવ મંદિરથી લઇ ૫૦૦ ક્વાટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણ રૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી.