ઝઘડીયામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ બહાર ફાયરિંગનો મામલો
પિસ્તોલ સહિતના હથિયારો સાથે 22 હુમલાખોરો ઝડપાયા
આરોપીઓની ધરપકડ કરી પોલીસની કાયદેસરની કાર્યવાહી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝ બહાર અંધાધૂંધ ફાયરિંગ અને વાહનોની તોડફોડની ઘટનામાં પોલીસે 22 હુમલાખોરોને રિવોલ્વર, પિસ્તોલ સહિતના હથિયારો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝની નવી સાઇટ ઉપર ગત તા. 3 જૂને કન્સ્ટ્રકશનનું ક્વોટેશન આપવા ગયેલ રજની વસાવા અને તેમના સાથીદારો પર હીંચકારો હુમલો થયો હતો. કંપનીમાં કોન્ટ્રાક્ટ મુદ્દે જયમીન પટેલના સાગરીતોએ પિસ્તોલ, રિવોલ્વર, ધારીયા અને લાકડીઓ સાથે આવી 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 25થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. જોકે, ઔદ્યોગિક જિલ્લામાં અશાંતિ ફેલાવતી આ ગંભીર ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શન લઈ LCB, SOG અને ઝઘડીયા પોલીસની ટીમોને કાર્યરત કરી હતી. જેમાં હુમલો કરાવનાર જયમીન પટેલ અને તેના સાગરીતોને ગણતરીના કલાકોમાં એક બાદ એક રાઉન્ડ અપ કરી લેવાયા હતા. અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, હુમલામાં અત્યાર સુધી 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે તમામના 7 દિવસ સુધીના રીમાન્ડ મેળવાયા હતા. સાથે ફાયરિંગમાં વપરાયેલ 3 પિસ્તોલ, ધારીયા અને લાકડીઓ સહિત ઘટનામાં વપરાયેલ 5 કાર પણ જપ્ત કરવામાં આવી છે. તમામ આરોપીઓ પૈકી 6 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. હજી 3 આરોપીની ધરપકડ બાકી છે. જોકે, આ સાથે જ નવા નામો તપાસમાં ખુલશે તો તે આરોપીઓને પણ જેલ ભેગા કરવામાં આવશે.