/connect-gujarat/media/post_banners/489abdfa2bd25380c11efda150490acede4cc1d81336bb827bfcc91604ee8554.webp)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સરભાણ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ તાલુકાના સરભાણ ગામે રાત્રીના સમયે આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા લોકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમોદ મામલતદાર એસ.એસ.ગાવીત, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, તાલુકા હેલ્થ ઓફિસર, ખેતીવાડી શાખામાંથી વિસ્તરણ અધિકારી કનુ પઢીયાર, વન વિભાગના કર્મચારી, આઈ.સી.ડી.એસ. ફાલ્ગુની ઘોણીયા સહિત ગામના તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરભાણ ગામે યોજાયેલી રાત્રી સભામાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ધાત્રી અને સગર્ભા બહેનો માટે આંગણવાડી તરફથી આપવામાં આવતા વિવિધ લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય ખાતાની વિવિધ માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મજૂરીયાત વર્ગ રાત્રીના સમયે જ ઘરે મળતો હોવાથી રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહી રાત્રી સભાને સફળ બનાવી હતી.