કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે જનસંપર્ક અભિયાન હેઠળ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલાની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના સેવા સુશાસનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ પ્રદેશ દ્વારા દરેક રાજ્યોમાં એક મહિના સુધીના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ લોકસભા-2022ની વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થવાથી દેશના લોકોને મળેલી અનેક સરકારી યોજનોની થયેલા લાભો અને શિક્ષણમાં વધેલા ગ્રાફનો ચિતાર આપ્યો હતો, જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાવાગઢ, ઉજ્જૈન, અયોધ્યામાં ભવ્ય રામ મંદીરનું નિર્માણ માટે મોદી સરકાર દ્વારા જ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં 5 લાખથી વધુ મતોથી ઉમેદવારને જીતાડવા માટેનું પણ લોકોને આહવાન કર્યું હતું. આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.