ફુલગુલાબી ઠંડી ની મોસમ પુરી થતાં જ રંગોના તહેવાર હોળી-ધૂળેટીનું પર્વ નજીક આવતા જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠે છે.ભરૂચના ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં કેસૂડાના ફૂલના કારણે મનમોહક માધુર્ય રેલાઈ રહ્યું છે.
ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે. પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાંના ગુણોને સમજીને કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ભરુચના વાલિયા ઝઘડીયા અને નેત્રંગ પંથકમાં કેસૂડાના ફૂલ મોટા પ્રમાણમાં જોવા મળે છે કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંસોધનો થઈ ચૂક્યા છે. જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે. કેસૂડા ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસૂડા નું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે.