આગામી તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ ભરૂચની મુલાકાત લીધી હતી.
અયોધ્યાનગરી ખાતે આગામી તા. 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા રાજ્યભરની મુલાકાતે નીકળ્યા છે. ડો. પ્રવીણ તોગડીયા ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે આવી પહોચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડો. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે, આંદોલન માટે 1984થી 2018 સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે, અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ્ય હતો કે, ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બીરાજમાન કરવામાં આવે. આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઇ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 8 કરોડ દિવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માન પત્ર, 450 જગ્યાએથી રેલી, પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવામાં આવશે, ત્યારે હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લા પ્રમુખ જશવંત ગોહિલ સહિત મોટી સંખ્યા આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઝાડેશ્વર ચોકડી ખાતે ડીવાયએસપી સહિત પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.