ભરૂચ : શાળાઓમાં "ઓફલાઇન" શિક્ષણનો પ્રારંભ, ધો. 9થી 11ના વિદ્યાર્થીઓમાં હરખની હેલી

New Update
ભરૂચ : શાળાઓમાં "ઓફલાઇન" શિક્ષણનો પ્રારંભ, ધો. 9થી 11ના વિદ્યાર્થીઓમાં હરખની હેલી

કોરોના કાળના લાંબા વેકેશન બાદ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં 50% હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ કરવા મંજૂરી અપાય છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની ગુંજ ફરી સંભળાય રહી છે.

રાજ્યભરની શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની 50% હાજરી સાથે ઓફલાઈન શિક્ષણને રાબેતા મુજબ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાય છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની શાળાઓમાં સોમવારની સવારે વિદ્યાર્થીઓના આગમનથી વર્ગખંડો ધમધમી ઉઠ્યા છે. શહેરની નારાયણ વિદ્યાલય શાળા ખાતે પહોચેલા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે, વાલી અને વિદ્યાર્થીઓની સહમતી અને હરખની હેલી સાથે હવે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે, ત્યારે તેઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, ઓનલાઈન કરતાં ઓફલાઈન શિક્ષણ મેળવવાની મજા જ કંઈક અલગ હોય છે. તો સાથે જ કોરોનાના કારણે ઘણા લાંબા સમયથી વિખૂટા પડેલા વિદ્યાર્થી મિત્રોએ એકબીજાને મળી ખૂબ ખુશ થયા હતા.

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ શાળાઓમાં શાળા સંચાલકો, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ દ્વારા સરકારની ગાઈડલાઇનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. શાળાના વર્ગખંડોમાં પ્રવેશ કરતાં પહેલા વિદ્યાર્થી સહિત શિક્ષકો સેનેટાઈઝ થઈ મોઢે માસ્ક પહેરી સામાજિક અંતર જળવાય રહે તેનું ખાસ ધ્યાન આપી રહ્યા છે. તો સાથે જ દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ થાય તે માટે શાળાના પ્રથમ દિવસે શિક્ષણ કાર્યની શરૂઆત કરતાં પહેલા તમામ વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી. જોકે, શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગો પુનઃ શરૂ થતાં તમામ વિદ્યાર્થી અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.