Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોરોનાએ લીધો પતિનો "ભોગ", પત્ની માટે ધારાસભ્ય અને મુખ્યમંત્રી બન્યાં દેવદુત

X

કોરોનાની મહામારીએ અનેક લોકોનો ભોગ લીધાં છે ત્યારે કોરોનાના કારણે પતિનો આધાર ગુમાવી દેનારી મહિલા માટે રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દેવદુત સાબિત થયાં છે.......

કોરોનાની મહામારીએ અનેક હસતા ખેલતાં પરિવારોનો માળો વિખેરી નાંખ્યો છે. કોરોનાના કારણે કોઇએ ભાઇ ગુમાવ્યો છે તો કોઇએ બહેન, કોઇએ માતા તો કોઇએ પિતા, કોઇએ પતિ તો કોઇએ પત્ની.... કોરોનાની મહામારીનો ભોગ બનેલા અનેક લોકો સાજા પણ થયાં છે જયારે અનેકે જીવનલીલા પણ સંકેલી લીધી છે. હવે વાત કરીએ ભરૂચમાં વસતા મોદી પરિવારની.... શૈલેષભાઇ મોદી વડદલા ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતાં હતાં. તેમના મૃત્યુ બાદ વારસાઇમાં આ દુકાન તેમના પત્નીને મળી હતી. શૈલેષભાઇના પત્ની પણ સ્વર્ગે સીધાવી જતાં આ દુકાન તેમના પુત્ર પ્રજ્ઞેશ મોદીના ફાળે આવી હતી. વડદલા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનથી પ્રજ્ઞેશ પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવતો હતો. માતા-પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી પ્રજ્ઞેશના શિરે આવી પડી હતી. પરિવારને ખુશહાલ રાખવાના આશયથી પ્રજ્ઞેશ દિવસ-રાત તનતોડ મહેનત કરતો હતો પણ કુદરતને કઇ અલગ જ મંજુર હતું. પ્રજ્ઞેશને કોરોનાના ચેપ લાગ્યો અને તે હોસ્પિટલ ભેગો થઇ ગયો હતો. તારીખ 12મી મે 2021ના ગોઝારા દિવસે પ્રજ્ઞેશ ફાની દુનિયાની અલવિદા કહી અનંતની વાટે ચાલી નીકળ્યો હતો પણ પાછળ પત્ની અને બે સંતાનોને આક્રંદ કરતાં મુકી ગયો હતો. સાસુ-સસરા અને પતિના અવસાન બાદ શીતલબેન નિસહાય બની ગયાં હતાં અને પોતાની બહેનને ત્યાં રહેવા આવી ગયાં હતાં.

પતિના મોત બાદ પોતાનું તથા બે સંતાનોનું ગુજરાન ચલાવવાનો પડકાર શીતલબેનની સામે હતો. હાથ પર હાથ નાંખી બેસી રહેવાથી જીવનની ગાડી ચાલે તેમ ન હતું અને અચાનક તેમને યાદ આવ્યાં ભરૂચના સંવેદનશીલ અને કર્તવ્યનિષ્ઠ ધારાસભ્ય દુષ્યંત પટેલ.... શીતલ મોદીએ ધારાસભ્ય દુષ્યંત પટેલને તેમની સમસ્યાથી અવગત કર્યા હતાં અને દુષ્યંત પટેલે તત્કાલીન પુરવઠામંત્રી જયેશ રાદડીયાના કાને વાત નાંખી હતી. પણ સરકારી નિયમ મુજબ ત્રીજી પેઢીને વારસાઇમાં સસ્તા અનાજની દુકાન મળે તેમ ન હતું. સરકારી નિયમ શીતલબેન અને દુકાનની વચ્ચે વિધ્ન બનીને આવ્યો હતો. પણ હીંમત હારે એ બીજા.. ધારાસભ્ય દુષ્યંત પટેલ નહી.. ગુજરાતના નવા વરાયેલાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બે દિવસ પહેલાં ભરૂચની મુલાકાતે આવ્યાં હતાં અને તેઓ ધારાસભ્ય દુષ્યંત પટેલના નિવાસે રોકાયાં હતાં. દુષ્યંત પટેલે શીતલબેનની મુલાકાત મુખ્યમંત્રી સાથે કરાવી હતી. મુખ્યમંત્રીની સામે શીતલબેન ચોધાર આંસુએ રડવા લાગ્યાં... મુખ્યમંત્રીએ તેમને સાંત્વના આપી તેમની વ્યથા સાંભળી હતી અને પછી જે થયું તે અકલ્પનીય હતું. આવો સાંભળીએ ધારાસભ્ય દુષ્યંત પટેલના મુખેથી......

ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના પ્રયાસો રંગ લાવ્યાં છે અને પતિ ગુમાવી દેનારી મહિલાને ગુજરાન ચલાવવા માટે સસ્તા અનાજની દુકાનની વારસાઇ મળી છે. શીતલબેન હવે સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરી બે સંતાનોના ભાવિને ઉજજવળ બની શકશે. કનેકટ ગુજરાતની ટીમે શીતલબેન સાથે વાતચીત કરી હતી.

હીન્દીમાં એક ડાયલોગ છે જબ તુમ કીસીકો પુરી સિદદત સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે ઉનસે જુડાને મે લગ જાતી હે... શાહરૂખખાનનો આ ડાયલોગ શીતલ બેનના કિસ્સામાં બંધ બેસી રહયો છે. પોતાના સંતાનોના ભાવિ માટે સાચા હદયની શીતલબેનની ભાવના ધારાસભ્ય દુષ્યંત પટેલના માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચી અને પળવારમાં તેનું પરિણામ પણ મળી ગયું......

Next Story