Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કલરવ શાળાના દિવ્યાંગ બાળકોએ બનાવી આકર્ષક રાખડીઓ, બાળકોને પ્રોત્સાહિત કરવા લોકો રાખડી ખરીદવા ટ્રસ્ટની અપીલ

કલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે.

X

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન માટે ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોની શાળા કલરવ સ્કૂલના બાળકો દ્વારા આકર્ષક રાખડીઓ બનાવવામાં આવી રહી છે, ત્યારે આ રાખડીની લોકો દ્વારા ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી શાળા ટ્રસ્ટી દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ શાળા દિવ્યાંગ બાળકો માટે વિવિધ રોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી આવી છે.

દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની રહે તે માટે અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી પ્રવૃતિઓમાં ફાઈલ, ફોલ્ડર, દિવાળીના કોડિયા, બાજ પડીયા તેમજ વિવિધ કલાત્મક રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ભાઈ-બહેનના હેતનું પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે. ભરૃચમાં રાખડીઓના હંગામી સ્ટોલ પણ ઊભા થઈ ગયા છે. કલરવના બાળકોની રાખડીઓ આ બધામાં અનોખી છે. કલરવ શાળાના દિવ્યાંગ બાળકો અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ રાખડીઓ બનાવી રહ્યા છે.

જેમાં સુતરના તાતણાવાળી, મોતીવાળી, રૂદ્રાક્ષવાળી, ઓમવાળી, ડાયમંડવાળી સહિતની રાખડીઓ બનાવી રહ્યા છે. આમ બાળકો દ્વારા આત્મસન્માન અને સ્વનિર્ભરતાના ઉમદા હેતુથી અને બાળકો શું શું કરી શકે? તેવી વાત અને વ્યવસ્થા બદલવા માટે વીરાના કાંડે બાંધવાની રાખડીઓનું સર્જન દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના આર્થિક ઉર્પાજનથી ભેગી થતી રકમ માથી બાળકોમાં આત્મનિર્ભરતા સાથે આત્મવિશ્વાસની લાગણી પેદા થાય છે. ભરૂચ શહેરની જનતાને આ દિવ્યાંગ બાળકના આ ઉમદા હેતુસરના કાર્યને બિરદાવવા અને આત્મવિશ્વાસ વધારવા ભાઈ-બહેનના હેતભર્યા સબંધમાં દિવ્યાંગ બાળકની રાખડીને સ્થાન આપવા કલરવ શાળાના સંચાલક નિલાબેન મોદીએ અપીલ કરી છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનમાં લોકો પણ આ દિવ્યાંગ બાળકોની રાખડીઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરી તેમના આત્મ વિશ્વાસમાં વધારો કરવાનું પુણ્ય કાર્યમાં સહભાગી બને તો રક્ષાબંધનની ઉજવણી સાર્થક થઈ કહેવાશે.

Next Story