ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચમાં પ્રાર્થના સભા યોજી સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી.
ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે. જેમાં ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું નિધન થયા બાદ એક કબરમાં મોટા પથ્થર નીચે મુકીને સૈનીકોનો પહેરો મુકવામાં આવ્યો હતો. તેમ છતાંય ઈસુ ખ્રિસ્તના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરીથી સજીવ થયા હતા. જેથી આ દિવસને ખ્રિસ્તી સમુદાય ખૂબ જ ધૂમધામ પૂર્વક ઈસ્ટર સન્ડે તરીકે ઉજવે છે. જેમાં લોકો નવા પોશાકો પહેરી ચર્ચમાં જઈ ઈસુની સ્તુતિ આધાધના કરી પ્રાર્થનાઓ કરી એક બીજાને ઈસ્ટર પર્વની શુભેચ્છાઓ પાઠવે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલા ચર્ચમાં પણ વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચમાં જઈ ઈસ્ટર સન્ડેની ઉજવણી કરી હતી. જેમાં ભરૂચના એબેન એઝર મેથોડીસ્ટ ચર્ચ, સીએનઆઈ ચર્ચ, કેથલિક ચર્ચ સાહિના ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી ઇસ્ટરની ઉજવણી કરવામાં આવી હતી.