ભરૂચ શહેર તથા જીલ્લામાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે 108 ઈમરજન્સી સેવાને સતત તૈનાત રાખવામાં આવી છે. કોઈપણ દુર્ઘટના કે, અનિચ્છનિય બનાવને પહોચી વળવા 108ની ટીમ સજ્જ બની છે.
આગામી તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આવા સમયે કોઈ અનિચ્છનિય બનાવ કે, દુર્ઘટનાને પહોચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર પણ સજ્જ બનતું હોય છે. ગુજરાતમાં આશરે 26 ટકા જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં આશરે 3 હજારથી વધુ કોલ્સ નોંધાય છે, જે મકરસંક્રાંતિના દિવસે આશરે 4,545 એટલે કે, 26 ટકા જેટલા કોલ્સ નોંધાવાની સંભાવના છે. ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસ, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે, પડી જવાથી ઇજા, શારીરિક હુમલામાં ઇજા અને દોરીથી કપાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે મકરસંક્રાંતિના તહેવારમાં લોકોની સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા છે, ત્યારે મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ શહેર તથા જીલ્લામાં 108 ઈમરજન્સી સેવાને સતત તૈનાત રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, સામાન્ય દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસ નોંધાતા હોય છે. પરંતુ ભૂતકાળના ડેટાનું પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ 34.52 ટકા અને 15મી જાન્યુઆરીના રોજ 91 ટકા જેટલા કેસ એટલે કે, 8.33% જેટલા કેસ સાથે વધારો જોવા મળશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા સેફટી ગાઈડલાઈન્સનું અવશ્ય પાલન કરવું, સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા, રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું, અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ કીટ સાથે રાખવી અને કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 પર ડાયલ કરવા અંગે લોકોને અપીલ કરવામાં આવી છે.